સવાલ : હું 19 વર્ષની યુવતી છું. હું અને મારો બોયફ્રેન્ડ એકબીજા માટે ગંભીર છીએ. અમે છેલ્લા બે વર્ષથી સાથે છીએ અને હવે સગાઇ કરીને રિલેશનને એક સ્ટેપ આગળ વધારવા ઇચ્છું છું. મારા પિતાને મારા સંબંધ સામે કોઇ વાંધો નથી પણ તેઓ સગાઇ માટે તૈયાર નથી. તેઓ મને કહે છે કે આ ઉંમરે આવી બધી પળોજણમાં ના પડીશ. પપ્પાએ અત્યાર સુધી મારા પેશનને જ પ્રોફેશન કઈ રીતે બનાવાય એ માટે પણ ખૂબ સાથ આપ્યો છે, તેઓ આ પ્રેમસંબંધને બહુ ગંભીરતાથી લેવાની ના પાડે છે. શું તેમની વાત સાચી છે? એક યુવતી (સુરત)

જવાબ: પ્રેમ અને કરિયર વચ્ચે સંતુલન જળવાઇ રહે એ બહુ જરૂરી છે. દરેક નિર્ણય જીવનના યોગ્ય તબક્કે લેવામાં આવે તો જ એનો સંપૂર્ણ ફાયદો થાય છે. તમારી વયમાં કરિયર પર ધ્યાન આપવું જરૂરી છે. જોકે એનો મતલબ એ નથી કે તમે પ્રેમની લાગણીને ઇગ્નોર કરો. જોકે એમાં ખૂંપી જઈને જાતને ભૂલી જવાની જરૂર નથી. કરિયર બનાવવાના વર્ષો દરમિયાન પ્રેમ જેવી નાની-નાની બાબતોમાં આપણું ધ્યાનભંગ થતું રહે તો એની અસર આખા જીવન પર પડે છે. જીવનને માણવું હોય તો પહેલાં તમારા પગ ધરતી પર સ્થિર ખોડાયેલા હોવા જોઈએ.

Advertisements

તમે અને તમારો બોયફ્રેન્ડ બે જ વર્ષથી સાથે છો અને હજી તમારી વય એટલી મોટી નથી કે તમારે કરિયર અને ફ્યુચર પ્લાનને કોરાણે મૂકીને સગાઇ અને લગ્ન વિશે વિચારવું પડે. તમારા પિતાએ તમારા કરતા વધારે દુનિયા જોઇ છે. તેમને તમારા પ્રેમી કે પ્રેમસંબંધ સામે વાંધો નથી એ વાત જ બતાવે છે કે તેઓ લાંબા ગાળે તમારા માટે સારું શું છે એ વિચારી રહ્યા છે અને તેમને તમારી રિલેશનશિપ સામે કોઇ વાંધો નથી. તમે પણ તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશો તો આખી વાતને સારી રીતે સમજી શકશો.

સવાલ : મારાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં મને એક વાર ગર્ભ રહ્યો હતો, પણ એ વખતે મારા પતિએ સંતાનની ના કહેતાં મેં એબોર્શન કરાવી લીધું હતું. હવે ત્રણ વર્ષથી અમે સંતાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મને ગર્ભ નથી રહેતો. શું કરવું? એક મહિલા (અમદાવાદ)

Advertisements

ઉત્તર : તમે એબોર્શનનો નિર્ણય ડોક્ટરની સલાહ લઇને કર્યો હશે. ઘણીવાર એબોર્શન પછી ઇન્ફેક્શનને કારણે આવી સ્થિતિ ઉભી થતી હોય છે. તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જરૂરી ટેસ્ટ કરાવો. શક્ય છે કે તે પછી દવા કરાવવાથી તમે ગર્ભ ધારણ કરી શકો. સ્ત્રીનું માસિકચક્ર ચાલુ થાય તે પછી એક-બે વર્ષથી લઇને માસિક જતું રહે (મેનોપોઝ) ત્યાં સુધી ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા 35 વર્ષની વય પછી ઝડપથી ઘટવા માંડે છે.

જોકે, હવે આધુનિક સારવારની મદદથી સ્ત્રી કોઇ પણ ઉંમરે માતા બની શકે છે; પરંતુ આ સારવાર ખૂબ ખર્ચાળ અને અટપટી છે અને એની અનેક શારીરિક અને સામાજિક આડઅસરો પણ છે. જે સ્ત્રીને માસિકસ્ત્રાવ નિયમિતપણે આવતો હોય તેને બે માસિક વચ્ચેના ભાગમાં લગભગ બારમા દિવસથી અઢારમા દિવસની વચ્ચેના કોઇ પણ દિવસે સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. સ્ત્રીબીજ છૂટું પડે પછી 24થી 36 કલાક સુધીમાં અનુકુળ સંજોગોમાં સ્ત્રીબીજ અને પુરુષબીજનું મિલન થઇ જાય તો ગર્ભધારણ શક્ય બને છે.

Advertisements

એક સ્ત્રીબીજને ફલિત કરવું એ સહેલું કામ નથી. બધું જ નોર્મલ હોય તેમ છતાં ગર્ભધારણ ન થાય એવું બને છે. પતિ-પત્ની પૂરેપૂરાં નોર્મલ હોય તો ક્યારેક સુહાગરાતે જ પત્ની ગર્ભધારણ કરી બેસે છે અને ક્યારેક એ જ પતિ-પત્ની એક-દોઢ વર્ષ સુધી પણ એ બાળકમાં નિષ્ફળ જાય છે. ટૂંકમાં આખા મહિનામાં તમે દસ દિવસ સંબંધ બાંધશો તો પણ પ્રેગ્નન્સી ન રહે તેવું બને અને જો એક ચોક્કસ દિવસે માત્ર એક જ વાર સંબંધ બાંધવાથી પણ ગર્ભધારણ થઇ જાય એવું બને. કોઇ પણ કારણસર એક મહિનામાં સફળતા ન મળે તો બીજા મહિને કોશિશ કરવી જોઇએ. કુદરતી પ્રયત્નો પછી જો એક વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે તો વંધ્યત્વની સારવાર કરાવવી જોઇએ.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *